પાઠ – 30

શ્રી શામળાજી યાત્રાધામ

ગુજરાતના ઉત્તર પૂર્વ સીમાડે અરવલ્લી જિલ્લામાં રમણીય ડુંગરો વચ્ચે શામળાજીનું મંદિર આવેલું છે. શામળાજી એટલે શ્રી. વિષ્ણુ ભગવાનનું ગદાધારી સ્વરૂપ. આ મંદિરના આવાસમાં આવેલ ઘણી બધી મૂર્તિઓ પાંચમી અને છઠ્ઠી સદીની હોવાનું મનાય છે. ભગવાન શામળાજીનું હાલનું મંદિર પંદરસો વર્ષ જૂનું છે. એમાં સુંદર કલાત્મક કોતરણી છે.

ભગવાન શામળાજીની સાડા પાંચ ફૂટ ઊંચી ચાર ભુજાવાળી કાળા પથ્થરમાંથી ઘડાયેલી મૂર્તિ છે. એમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલ છે. લોકવાયકા પ્રમાણે આ વિસ્તારના કરામ્બુજ તળાવમાંથી ભગવાન શામળિયાની મૂર્તિ જમીન ખેડતા મળી આવી હતી. મંદિરના પરિસરમાં શામળાજી ઉપરાંત શંકર ભગવાન અને ગણપતિની મૂર્તિઓ પણ છે.

ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસની યોજના હેઠળ આ મંદિરના પરિસરનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. આ મંદિરના પરિસરને વધુ વિશાળ બનાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પ્રવાસીઓનું ધ્યાન ખેંચે એવા અન્ય ધર્મનાં સંકુલો પણ છે. ઉપરાંત ખોદકામમાં મળેલ બૌદ્ધકાલીન અવશેષોનું એક સંગ્રહાલય પણ છે. નજીકમાંથી ‘દેવની મોરી’ સ્થળેથી ભગવાન બુદ્ધના શરીરના અવશેષો મળી આવેલ મનાય છે. તેથી બૌદ્ધો માટે પણ શ્રદ્ધાનું સ્થળ બન્યું છે.

મંદિર દ્વારા અનેકવિધ ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમકે, દેવદિવાળી, દોલોત્સવ, રથયાત્રા વગેરે. એમાં જન્માષ્ટમીનો ઉત્સવ ખાસ રીતે ઉજવવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમાને દિવસે અહીં મેળો પણ ભરાય છે. શામળાજી એની વનરાજી અને સુંદરતાને લીધે પ્રવાસીઓ માટે જાણીતું યાત્રાધામ છે.

અમદાવાદ-ગાંધીનગરથી આશરે 125 કિ.મી.ના અંતરે શામળાજી આવેલ છે. અહીં રહેવા-જમવાની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.


શબ્દકોશઃ
યાત્રાધામ = pilgrimage, ઉત્તર-પૂર્વ = north-east, સીમાડે = on the border, રમણીય = beautiful, ડુંગર = mountain, ગદાધારી = holding a club, સ્વરૂપ = form, આવાસ = dwelling, dwelling area, સદી = century, કોતરણી = carvings, ઘડાએલી = passive past participle of ઘડવું = to shape, to give shape, ધારણ કરવું = to hold, to adorn, શંખ = conch, ચક્ર = wheel, a circular weapon, પદ્મ = lotus, પરિસર =precincts, સંકુલ = complex, સંગ્રહાલય = museam , અવશેષો = ruins, ઉત્સવો = festival, મેળો = fair, વનરાજી = greenery.


1) Undernoted are some passive verb forms used in this lesson. Please find out their sentences and translate them.

ઘડાયેલ
વિકાસ કરવામાં આવ્યો છે.
બનાવવામાં આવ્યો છે.
મનાય છે.
ઉજવવામે આવે છે.
ભરાય છે.
વ્યવસ્થા ...... કરવામાં આવે છે.

2) આ વિભાગમાં ગુજરાતના અન્ય યાત્રાધામોની ટૂંકી માહિતી આપવામાં આવી છે.

ગુજરાતના અન્ય પ્રમુખ યાત્રાધામો છેઃ અંબાજી, સોમનાથ,પાલીતાણા, દ્વારકા.

અંબાજીઃ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી આવેલું છું. અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નથી, પણ વીસાયંત્ર છે. આ મંદિર બારસો વર્ષ પુરાણું છે. વરસે કરોડથી વધુ યાત્રિસો માતાજીના દર્શને આવે છે. દર વરસે ભાદરવા મહિનામાં સુદ આઠમથી પૂનમ સુધી અહીં ભાદરવી પુનમનો મહામેળો યોજાય છે. ગુજરાતના અનેક ખૂણેથી લોકો પદયાત્રા કરીને આવે છે. અહીં રહેવા, જમવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. નજીકનું રેલ્વે સ્ટેશન આબુરોડ છે. પાલનપુર 60 કિ.મી. છે.

સોમનાથઃ

ભારતભરના બાર જ્યોતિર્લિંગ પૈકીના એક જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનું અતિ ભવ્ય મંદિર છે. વિધર્મીઓના આક્રમણને કારણે અનેક વખત ખંડિત થયેલા આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે. છેલ્લે સરદાર પટેલના પ્રયાસોથી સાતમી વખત જીર્ણોદ્ધાર કરીને ભગવાન મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દરિયાકિનારે આવેલ આ મંદિર ખૂબ સુંદર છે અને લાખો ભાવિકોનું યાત્રાધામ છે. નજીકનું રેલ્વે મથક જુનાગઢ છે. ત્યાંથી એ 79 કિ.મી. દૂર છે.

પાલીતાણાઃ

ભાવનગર જિલ્લામાં આવેલ આ જૈન તીર્થ ખૂબ પ્રસિદ્ધ છે. શત્રુંજય પર્વત પર આવેલ આ તીર્થમાં અનેક જૈન દેરાસરો અને ધર્મશાળાઓ છે. ભારતભરમાંથી અનેક જૈન ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. પર્વત પર આવેલા અનેક જૈન દેરાસરો ખૂબ સુંદર છે. ધર્મશાળાઓમાં રહેવા જમવાની સારી સગવડ ઉપલબ્ધ છે. નજીકનું રેલ્વે સ્ટેશન શિહોર છે. ગુજરાતના અનેક ખૂણેથી અહીં લક્ઝરી બસો આવે છે.

દ્વારકાઃ

ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલ શહેર તરીકે દ્વારકા જાણીતું છે પરંતુ આજે એ સમુદ્રતળે છે એમ મનાય છે. આજના દ્વારકાનગરી અર્વાચીનતા અને પ્રાચીનતાના સંગમ સમી બની છે. મુખ્ય દ્વારકાધીશનું મંદિર લગભગ 2500 વર્ષથી વધુ પ્રાચીન મનાય છે. વર્તમાન મંદિર 1200 વર્ષ જૂનું છે. સમગ્ર મંદિરનું સ્થાપત્ય સુંદર અને આકર્ષક છે. ગોમતી નદીને કિનારે આ મંદિર આવેલું છે. દેશનો પશ્ચિમ છેડો એટલે દ્વારકા છે.
જન્માષ્ટમીને દિવસે લાખો લોકો અહીં દર્શનાર્થે આવે છે.
નજીકનું રેલ્વે સ્ટેશન ઓખા છે.