પાઠ – 28

નીચેનો સંવાદ વાંચોઃ

પહેલાં અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખતા. તેમની પાસેથી ઢોરની જેમ કામ લેતા. તેમના પર બહુ જુલમો થતા. એ ગુલામો તેમના માલિકની મિલકત ગણાતા. માલિકને ત્યાંથી ગુલામ નાસી જાય તો કાયદા મુજબ તેને આકરી સજા થતી. છતાં માણસના હૃદયમાં મુક્તિની ઝંખના એવી રહેલી છે કે ઘણી વાર ગુલામો નાસી જતા અને પકડાય પછી ભારે સજા ભોગવતા.

એવા એક નાસી ગયેલો ગુલામ પોલીસને હાથે પકડાયો. કોર્ટમાં એને ઊભો કરવામાં આવ્યો. ત્યાં મેજિસ્ટ્રેટે પૂછ્યું, “તારે કેમ નાસી જવું પડ્યું? શું તારો શેઠ તને મારે છે?”

ગુલામે કહ્યું, “ના જી.”

“ત્યારે શું એ પૂરતું ખાવાનું આપતો નથી?”

“ના જી, મને પેટ ભરીને ખાવાનું મળે છે.”

“ત્યારે શું, કપડાં પૂરતાં મળતાં નથી?”

“એ પૂરતાં મળે છે.”

“ત્યારે શું બહુ સખત મહેનત કરાવે છે?”

“ના જ, એમ તો ન કહેવાય.”

મેજિસ્ટ્રેટે પૂછ્યું, “તો પછી શેઠ સામે બીજી કોઈ ફરિયાદ છે તારે?”

ગુલામ કહે, “ના જી, અમારો આ શેઠ અને તેના ઘરનાં લોકો માયાળુ છે.”

આ સાંભળી મેજિસ્ટ્રેટે આશ્ચર્યથી પૂછ્યું, “તારો શેઠ તને મારતો નથી, સખત મજૂરી કરાવતો નથી, પૂરતાં ખોરાક-કપડાં આપે છે, અને માયાળુ પણ છે – તો પછી આટલા સુખમાંથી નાસી જવા માટે તારે કારણ શું છે?”

ઘડીભર મૂંગો રહીને ગુલામ બોલ્યો, “નામદાર, એ જગ્યા હજુ ખાલી છે. આપ એ લઈ શકો છો!”


શબ્દકોશઃ
હબસી = negro, ઢોર = cattle, જુલમ = oppression, મિલકત = property, ઝંખના = intense desire, નાસવું = to run away, ફરિયાદ = complaint, માયાળુ = kind, મૂંગો = silent, dumb.


1) નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ

1.1. ગુલામ નાસી જાય તો શું થતું?
1.2. ગુલામનો માલિક ગુલામને ખાવાનું પૂરતું આપતો હતો?
1.3. ગુલામનો માલિક સારો હતો છતાં ગુલામ કેમ નાસી ગયો?
1.4. ગુલામીનું સુખ સારું કે મુક્તિનું દુઃખ સારું?

2) Find out equivalent Gujarati sentences from the lesson:

2.1. They underwent a lot of oppression.
2.2. The slaves were property of the owners.
2.3. Do you have any complaint against your owner?
2.4. A fugitive slave was caught by the police.

3) અંગ્રેજીમાં ભાષાંતર કરોઃ

3.1. મારા માલિક માયાળુ સ્વભાવના છે.
3.2. મારી પાસે બહુ મિલકત નથી.
3.3. એણે પડોશીની સામે ફરિયાદ કરી.
3.4. જા, હવે તું મુક્ત છો.
3.5. તારા દુઃખનું કારણ મને ખબર છે.


Answers:

1)

1.1. ગુલામ નાસી જાય તો કાયદા મુજબ એને આકરી સજા થતી.
1.2. ગુલામનો માલિક ગુલામને પેટ ભરીને ખાવા આપતો હતો.
1.3. ગુલામને ગુલામી જોઈતી ન હતી.
1.4. ગુલામીના સુખ કરતા મુક્તિનું દુઃખ સારું.

2)

2.1. તેમના પર બહુ જુલમ થતા.
2.2. ગુલામો તેમના માલિકની મિલકત ગણાતા.
2.3. તારે શેઠ સામે કોઈ ફરિયાદ છે?
2.4. એક નાસી ગયેલો ગુલામ પોલીસને હાથે પકડાયો.

3)

3.1. My master is very kind.
3.2. I do not have big asset.
3.3. He complained about his neighbour.
3.4. Go! You are free now!
3.5. I know the reason for your grief.