પાઠ – 26

નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપોઃ

એક રાજા હતો. એનો હોશિયાર પ્રધાન મરી ગયો. એની જગ્યાએ બીજી વ્યક્તિને નીમવા માટે એ શોધ કરવા લાગ્યો. ખૂબ વિચાર કરીને એણે નક્કી કર્યું કે મારો પ્રધાન હિંમતવાળો, ચાલાક અને હોશિયાર હોવો જોઈએ. પણ આ ત્રણ ગુણ માપવા કેવી રીતે?

રાજાએ એક મોટું, ભારે બારણું બનાવ્યું. એક ઓરડાની આગળ મુકાવ્યું. પછી જે દરબારીઓ પ્રધાન થવા ઇચ્છતા હતા તે સૌને બોલાવ્યા. અને કીધું કે આ તોતિંગ બારણું જોયું? જે કોઈ પોતાની શક્તિ અને અક્કલથી આ બારણું ખોલે તેને પ્રધાન બનાવવા માગું છું.

મોટા ભાગના દરબારીઓ તો એ તોતિંગ દરવાજો જોઈને જ ડઘાઈ ગયા હતા. કોઈએ કીધું કે “ આવો તોતિંગ દરવાજો એકલા માણસથી કેવી રીતે ખુલે?”

બીજાએ કહ્યું કે “આ બારણું ખોલવા માટે બે-ત્રણ કુશળ કારીગરો જ જોઈએ. જેમણે આ બનાવ્યો હોય તે જ ખોલી શકે. આપણું કામ નહીં.”

અમુક દરબારી બારણાની નજીક ગયા પણ ખોલવાની હિંમત ન કરી શક્યા. ખોલવા જઈએ અને ન ખોલાય તો બધા હાંસી ઉડાવશે. જવા દો. રાજા થોડો નિરાશ થયો. પણ થોડીવાર પછી એક યુવાન દરબારી એ બારણા પાસે ગયો. એણે આંગળીઓ અને હાથ ફેરવીને દરવાજાની કળનું નિરીક્ષણ કર્યું. બધું બરાબર જોઈને એણે એક જ ધક્કો માર્યો ને દરવાજો ખૂલી ગયો. બધાને ખ્યાલ આવ્યો કે રાજાએ બારણું બંધ જ નહોતું કર્યું. બધાને મનમાં વસવસો રહી ગયો. અરેરે! સહેજ ધક્કો માર્યો હોત તો ખૂલી ગયું હોત.

રાજાએ એ યુવાન દરબારીની પીઠ થાબડી અને કહ્યું,”આજથી તું મારા રાજ્યનો પ્રધાન. તેં સાભળેલી વાતો પર વિશ્વાસ ન મૂક્યો. અને જાતે જઈને બધી તપાસ કરી. તારી પાસે બુદ્ધિ અને હિંમત બન્ને છે. માટે તું પ્રધાન બનાવાને લાયક છો.


શબ્દકોશઃ
પ્રધાન = chief, minister, તોતિંગ = gigantic, દરબારી = person in the royal court, કળ = door handle, latch, નિરીક્ષણ = observation, ખ્યાલ આવવો = to come to know, પીઠ થાબડવી = to congratulate.


1) નીચેના પ્રશ્નોનો જવાબ આપોઃ

1.1. રાજાને પ્રધાન તરીકે કેવી વ્યક્તિ જોઈતી હતી?
1.2. રાજાએ મોટું બારણું શા માટે બનાવ્યું?
1.3. તોતિંગ દરવાજો જોઈને દરબારીઓને શું થયું?
1.4. દરબારીઓ દરવાજો ખોલી શક્યા?
1.5. દરવાજો ખોલનાર વ્યક્તિ યુવાન હતી કે વૃદ્ધ?

2) નીચેનાં અંગ્રેજી વાક્યો કયાં વાક્યોનું ભાષાંતર છે તે શોધોઃ

2.1. How to test the three virtues?
2.2. I want to appoint the person as chief minister who can open this door with his intelligence and power.
2.3. The king was disappointed.
2.4. If we had pushed the door a little it would have opened.
2.5. From to-day you are my chief minister.


Answers:

1)

1.1. રાજાને હિંમતવાન, ચાલાક અને હોશિયાર પ્રધાન જોઈતો હતો.
1.2. પ્રધાન બનવા ઇચ્છતા લોકોની કસોટી લેવા માટે રાજાએ મોટું બારણું બનાવ્યું.
1.3. તોતિંગ દરવાજો જોઈને દરબારીઓ ડઘાઈ ગયા.
1.4. દરબારીઓ દરવાજો ખોલી ન શક્યા.
1.5. દરવાજો ખોલનાર વ્યક્તિ યુવાન હતી.

2)

2.1. આ ત્રણ ગુણ માપવા કેવી રીતે?
2.2. મારા પ્રધાન હિંમતવાળો, ચાલાક અને હોશિયાર હોવો જોઈએ.
2.3. રાજા નિરાશ થયો.
2.4. સહેજ ધક્કો માર્યો હોત તો દરવાજો ખૂલી ગયો હોત.
2.5. આજથી તું મારા રાજ્યનો પ્રધાન.